જ્યારે ઊંઘ દરમિયાન ગળાના પાછળના સ્નાયુઓ અતિશય રીલેક્સ થઇ જવાથી શ્વાસનળીઓ આંશિક અથવા સંપૂર્ણપણે અવરોધિત થાય છે, ત્યારે ઓ.એસ.એ થાય છે. આ અવરોધના કારણે શ્વાસ લેવામાં બ્રેક પડે છે, જે ઘણી વખત ૧૦ સેકન્ડ કે તેથી વધુ સમય સુધી પણ ચાલી શકે છે.
ઘણા વ્યક્તિઓ આ ઓ.એસ.એના લક્ષણોથી અજાણ હોય છે અને તે ઘણીવાર કુટુંબના સભ્ય દ્વારા નોટિસ નોટીસ થાય છે.
સામાન્ય લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
• ખુબ જોરથી નસકોરા બોલાવા.
• ઊંઘ દરમિયાન શ્વાસ અટકી જવો.
• દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવી.
• ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી.
• સવારે માથાનો દુખાવો રહેવો.
• મૂડમાં ફેરફારો - ડિપ્રેસન આવવું કે ખુબ ચિંતા થવી.
જોખમી પરિબળો:
• ૫૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષો.
• સ્થૂળતા.
• વધેલા કાકડા હોવા.
• ઓ.એસ.એનો કૌટુંબિક ઇતિહાસ.
• ધૂમ્રપાન કરવો.
• દારૂનું સેવન કરવું.
• હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બિમારીઓ.
કોમ્પ્લીકેશન:
· જો સારવાર ન કરવામાં આવે તો ઓ.એસ.એ હાયપરટેન્શન, હાર્ટ ફેઈલ્યર અને અનિયમિત ધબકારા જેવા હૃદય રોગો અને સ્ટ્રોક તરફ દોરી જઈ શકે છે.
· રાત્રે વારંવાર જાગવાથી દિવસનો થાક લાગે છે, જે પરિણામે તમારા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, કામ કરવાની ક્ષમતા, વાહન ચલાવવું અને રોજિંદા કાર્યો સુરક્ષિત રીતે કરવાનીની ક્ષમતાને બગાડે છે.
· ઓ.એસ.એ તમારા જીવનની એકંદર ગુણવત્તા મૂડ, સંબંધો, અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
નિદાન:
સ્લીપ ક્લિનિકમાં અથવા ઘરે કરવામાં આવતી સ્લીપ સ્ટડી એ સામાન્ય રીતે ઓ.એસ.એનું નિદાન કરવા માટે વપરાય છે. આ અભ્યાસ તમારી ઊંઘના વિવિધ પાસાઓ પર નજર રાખે છે, જેમાં શ્વાસની પેટર્ન, ઓક્સિજનનું સ્તર, અને મગજની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
ઓ.એસ.એ માટે સારવાર વિકલ્પો તેની તીવ્રતા પર આધાર રાખે છે:
- વજન ઓછું કરવું, નશીલા પીણાં અને ઊંઘની દવાઓ લેવાનું ટાળવું, ઊંઘતી વખતે એક બાજુ પર સૂવું એવા જીવનશૈલી ફેરફાર એ લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે.
- જો નાકમાં કન્જેશન અથવા એલર્જી ઓ.એસ.એમાં કારણરૂપ હોય તો ડીકન્જેસ્ટન્ટ્સ અને એલર્જીની દવાઓ સૂચવવામાં આવી શકે છે.
- હળવાથી મધ્યમ ઓ.એસ.એ માટે અમુક ડેન્ટલ ડિવાઇસીસ (જેને મેન્ડિબ્યુલર એડવાન્સમેન્ટ ડિવાઇસીસ કહેવામાં આવે છે) તમારા મોઢાંને ફિટ કરવા માટે કસ્ટમ-મેઇડ કરી શકાય છે. તેઓ હવાના માર્ગને ખુલ્લો રાખવા માટે નીચલા જડબા અને જીભને ગોઠવે છે.
- અનિદ્રા માટે કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી ઊંઘની પેટર્નને સુધારવામાં અને અનિદ્રાના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે, જે કેટલાક ઓ.એસ.એ દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.
- મધ્યમથી ગંભીર ઓ.એસ.એ માટે સી.પી.એ.પી (CPAP) એ સૌથી અસરકારક સારવાર છે. તેમાં ઊંઘ દરમિયાન નાક અથવા મોં પર માસ્ક પહેરાવી પ્રેશર સાથે હવા આપવામાં આવે છે, જે શ્વાસનળીને ખુલ્લી રાખવામાં મદદ કરે છે.
- જ્યારે CPAP પણ નિષ્ફળ જાય ત્યારે શ્વાસનળીને અવરોધિત કરતી વધારાની પેશીઓને દૂર કરવા માટે સર્જરી એક વિકલ્પ છે.
પ્રિવેન્શન
- સ્લીપ એપનિયાના તમારા જોખમને ઘટાડવા માટે તમે જે પગલાં લઇ શકો છો તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- વજન ઓછું રહે અને તે જાળવાય એ પ્રયત્ન કરો.
- સારી ઊંઘ પદ્ધતિ અને રૂટીન પ્રેક્ટિસ કરો.
- આરોગ્ય સંબંધી બીજી બિમારીઓને સારી રીતે મેનેજ કરો, જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ટાઇપ ૨ ડાયાબિટીસ.
- તમારા ડોક્ટરને વર્ષમાં ઓછામાં ઓછા એક વાર ચેકઅપ માટે મળો.